
દેશની આઝાદી માટે શહીદ થનારા શહીદોને યાદ કરવાનો અને તેમને અંજલિ આપવાનો અમૂલ્ય અવસર વીરાંજલિ છે- શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા.

સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦ થી વધુ કલાકારો દ્વારા ’મલ્ટી મીડિયા શો’ દ્વારા અદભૂત પ્રસ્તુતિને પાલનપુરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી*.

(માહિતી બ્યુરો, પાલનપુર)
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો હ્રદયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો ‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની સહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ’વીરાંજલિ’ આજે સાંજે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ’મલ્ટીમીડિયા શો’ દ્વારા પાલનપુર શહેરમાં પ્રથમવાર યોજાયો હતો.

અદભૂત ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ ૧૫ માં મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને પાલનપુરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણો દેશ આઝાદીના ૭૫ વર્ષ પરા કરી યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ભારત માટે શહીદ થનારા શહીદોને યાદ કરવાનો અને તેમને અંજલિ આપવાનો આ અવસર છે. તેમણે કહ્યું કે, ખ્યાતનામ કલાકાર શ્રી સાંઈરામ દવે અને તેમની ટીમ દ્વારા આ મલ્ટી મિડિયા શો યોજાઇ રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. આઇ. શેખે સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ તકે લોક સાહિત્યકાર શ્રી સાંઇરામ દવેએ જણાવ્યું કે, પાલનપુર શાયરો અને ખુશ્બુની ધરતી છે. સમગ્ર ગુજરાત સહિત પાલનપુર ખાતે મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ અને રમત-ગમત વિભાગના મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની પ્રેરણાથી શહીદોને યાદ કરવાનો વીરાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે શહીદોના જીવનમાંથી પ્રેરણા લઇ દેશ માટે જીવીએ તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરીભાઈ ચાૈધરી, પૂર્વ મંત્રીશ્રી હરજીવનભાઇ પટેલ અને શ્રી કાંતિભાઇ કચોરીયા, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી નંદાજી ઠાકોર, શ્રી હિતેષભાઇ ચાૈધરી, શ્રીમતી નાૈકાબેન પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, શહેર અને જિલ્લાના નાગરિકો, પદાધિકારીઓ- અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં પાલનપુરવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
