
કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે કલેકટરશ્રી આનંદપટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

100 કરતા વધુ કલાકારો વતનના વિસરાયેલા વીરોની કહાની મલ્ટીમીડિયા શો રૂપે રજૂ કરશે

રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો ” વીરાંજલિ કાર્યક્રમ” આગામી 31 ઓગષ્ટે પાલનપુર ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. જેમાં વિખ્યાત સાહિત્યકારશ્રી સાંઈરામ દવે સહિતના 100થી વધુ કલાકારો દ્વારા મલ્ટીમીડિયા શૉ થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના આયોજન અને તૈયારી અંગે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી.જેમાં વીરાંજલિ કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થા અંગે કલેકટરશ્રી આનંદ પટેલે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામા વીરાંજલિની શરુઆત ઐતિહાસિક નગરી પાટણથી થઈ હતી.અને અત્યાર સુધી 14 જેટલા શહેરમાં રજૂ થઈ ચૂક્યો છે. આ મલ્ટીમીડિયા શો 3 લાખ જેટલા લોકો પ્રત્યક્ષ નિહાળી ચુક્યા છે તો 10 લાખથી વધારે લોકો વિવિધ પ્લેટફોર્મ પર વર્ચ્યુલી લાઈવ જોઈ ચુક્યા છે. આ મલ્ટી મીડિયા શોમાં આધુનિક ટેકનોલોજીના સમન્વયથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને તદ્દન નવા અંદાજમા રજૂ કરવામાં આવ્યો છે. દેશ માટે ફાંસીના માંચડે ચડનારા ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાંઈરામ દવે એ લખ્યું છે. સંગીતકાર રાહુલ મુંજારીયાએ તદ્દન નવા દેશભક્તિના ગીતોને સંગીતબદ્ધ કર્યા છે.જેને કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર ,ગીતા રબારી જેવા નામાંકિત કલાકારોએ સ્વર આપ્યો છે. વીરાંજલિ કાર્યક્રમ રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે. આ માત્ર કાર્યક્રમ નહીં પણ વતનપ્રેમની વેક્સિનનો બુસ્ટર ડૉઝ છે. ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે દેશની સેવા માટે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવશે. અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા દેશભક્તિની ભાવનાથી ભરપૂર આ કાર્યક્રમનું પાલનપુરના નગરજનો માટે આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.કે.ચૌધરી, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.કે પટેલ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, તત્વમસી રાગા પ્રા.લિ રાજકોટના શ્રી અમિત દવે, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પ્રિતેશ સોની તથા અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.