
વૃક્ષોના ઉછેર, જતન અને માવજતથી સામાજિક વનીકરણના ઉદ્દેશને સાર્થક કરવાનું પર્વ એટલે વન મહોત્સવ*

વન તો વૈભવ છે” ઉક્તિને સાર્થક કરતા ગુજરાતે સમગ્ર દેશમાં સામાજિક વનીકરણની પહેલ કરી છે*

આપણી ભારતીય સંસ્કૃતિએ તપોવનની સંસ્કૃતિ છે. મનુષ્ય જીવન સાથે પ્રકૃતિ અભિન્ન પણે સંકળાયેલી છે અને જીવનથી મૃત્યુ સુધીની સફરમાં વૃક્ષો અનેક રીતે માનવીના ઉપયોગમાં લેવાય છે. મનુષ્યની અન્ન, વસ્ત્ર, રહેઠાણ જેવી પાયાની જરૂરિયાતોથી શરૂ કરીને ઔષધ, આયુધ, અલંકાર એમ કેટ કેટલીય સુવિધાઓ અને સગવડો માટે આપણે સદીઓથી વૃક્ષો પર આધાર રાખીએ છીએ. આપણા પ્રાણવાયુની ગરજ પણ વૃક્ષો પુરી પાડે છે. કોરોનાની મહામારીમાં ઓક્સિજનની કિંમત શુ છે એ આપણે બરાબર સમજી ગયા છીએ ત્યારે આપણને વિનામૂલ્યે ઓક્સિજન પૂરો પાડતા વૃક્ષોનું મહત્વ સમજી આપણે તેના ઉછેર, જતન અને માવજતનું માનવીય કામ ફરજના ભાગરૂપે કરવું પડશે. લોકોમાં પર્યાવરણની જાગૃતિ લાવવા વનીકરણ દ્વારા ગુજરાતને વધુમાં વધુ હરિયાળું બનાવવા, છાંયડો, બળતણ માટેનું લાકડું, ફળો, ઘાસચારો, તથા નાના ઇમારતી લાકડાની માંગને પહોંચી વળવા જંગલ બહારના વિસ્તારમાં મોટાપાયે વૃક્ષોનું વાવેતર કરવા જેવા વિવિધ હેતુઓ માટે પ્રતિ વર્ષ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વૃક્ષ ઉછેર માટેની પ્રેરણા પુરી પાડવાના ઉમદા ઉદ્દેશ સાથે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સાંસ્કૃતિક વન” નિર્માણનો નવો અભિગમ આપી હરિયાળી ક્રાંતિ માટેનો નવો રાહ ચિંધ્યો છે. ગુજરાતમાં ફક્ત 11 ટકા જેટલો વનવિસ્તાર છે છતાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે સમગ્ર દેશમાં સૌ પ્રથમ સામાજિક વનીકરણની પ્રવૃત્તિ શરૂ કરી દેશને વૃક્ષોના મહત્વ અંગે દિશા ચીંધવાનું કાર્ય કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ વર્ષ 2004થી પ્રતિવર્ષ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 73 મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી તા. ૧૨ ઓગષ્ટ-૨૦૨૨ના રોજ સવારે-૯.૦૦ કલાકે બનાસ મેડિકલ કોલેજ મારિયા ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં 54.65 લાખ રોપાઓના ઉછેર થકી જિલ્લાને લીલોછમ કરવાના શ્રી ગણેશ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં વન મહોત્સવ યોજના અંતર્ગત ચાલુ વર્ષે ૭૩ મા વન મહોત્સવ દરમ્યાન સને.૨૦૨૨ના ચોમાસામાં વિતરણ કરવા માટે કુલ-૫૪.૬૫ લાખ રોપા પોલીથીન બેગમાં ઉછેરવામાં આવેલ છે. વિતરણ કરવામાં આવનાર રોપાઓમાં લીમડા, અરડુસા, નીલગીરી, સેવન, આંબલી, જાંબુ, ચંદન, ગુલમહોર, આંબળા, લીંબુ, કણજી વિગેરે જાતોના રોપાઓ ઉછેરવામાં આવેલ છે. જે રોપાઓ સને- ૨૦૨૨ના ચોમાસા દરમ્યાન સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર શાળા, સંસ્થા, પંચાયતો, સરકારી કચેરીઓ, સહકારી મંડળીઓ, વ્યકિતગત લાભાર્થી અને ખેડુતોની ભાગીદારીથી ખુલ્લી, પડતર તેમજ માલિકીની જમીનોમાં વાવતેર કરવા માટે રોપા વિતરણ કરવામાં આવી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ISO:9001 જેવી ઉત્તમ કક્ષાની વન વિભાગની વિસ્તરણ રેન્જ દાંતાની હાઈટેક નર્સરી પાતળીયા ખાતે આવેલ છે અને આ નર્સરીમાં છેલ્લા બે વર્ષથી નવતર પ્રયોગરૂપે ઉચ્ચ ગુણવતાયુક્ત કલોનલ નીલગીરીના ૧.૦૦ લાખ રોપા ઉછેરવામાં આવેલ છે, આ સિવાય અમીરગઢ રેન્જની રાજપુરીયા હાઈટેક નર્સરીમાં પણ ૦.૫૦ લાખ રોપા ઉછેરવામાં આવેલ છે અને આ રોપા ચાલુ વન મહોત્સવ દરમ્યાન પ્રવર્તમાન સરકારશ્રીના નિયમોનુસાર રોપાઓ મુજબ વિતરણ કરવાની પહેલ કરી છે. વનીકરણ યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા ચાલુ સાલે સને- ૨૦૨રના ચોમાસામાં સામુહિક જમીન ઉપર ૧૫૭.૦૦ હેકટર વિસ્તારમાં ૧.૯૬ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. જયારે વ્યકિતગત માલિકીની જમીન પર ૭૪૫.૦૦ હે. વિસ્તારમાં ૭.૪૫ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકારશ્રીએ ધરતી ઉપર વૃક્ષોનું આવરણ વધારવા માટે ઉત્સાહી ખેડુતો ખેતીની જમીનમાં વૃક્ષ વાવેતર કરવા ઈચ્છે તેવા ખેડુતોની માલિકીની જમીનમાં વૃક્ષ ખેતી કરવા માટે વૃક્ષ ખેતીની યોજના તેમજ જિલ્લાના ૧૫ ગામોમાં હરીયાળા ગામોની યોજના અમલમાં મુકી ૧૫ ગામોમાં દરેક ગામે ૪૦૦ રોપાઓનું વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. જે મુજબ ૧૫ ગામે ૪૦૦ રોપા લેખે ૬૮૦૦ રોપા વાવેતર કરી આ વનીકરણ કરેલ વાવેતરની જવાબદારી જે તે પંચાયત/ સંસ્થાને સુપ્રત કરવામાં આવેલ છે. જયારે વૃક્ષ ખેતી યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ૨૭૫.૦૦ હે. માલિકીની ખેતીની જમીનો ઉપર વૃક્ષ ખેતી યોજના તળે ૨.૭૫ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહેલ છે. જિલ્લામાં વધુ વૃક્ષોનું આવરણ ઝડપભેર વધે તે હેતુસર ચાલુ વર્ષે વૃક્ષ ખેતી યોજના અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ ખેડુતોને રોપાદીઠ ચાર વર્ષે રૂ.૨૦ ની સરકારી સહાય (પ્રથમ વર્ષે રૂા. ૮/- બીજા વર્ષે રૂા.૪/- ત્રીજા વર્ષે રૂા.૪/- અને ચોથા વર્ષ રૂ.૪/-) અપાય છે. ચાલુ વર્ષે જિલ્લામાં ૨૭૫ હે. માલિકીની ખેતીની જમીન ઉપર ૨,૭૫,૦૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ચાલુ વર્ષે કેન્દ્ર પુરસ્કૃત યોજના તળે સને-૨૦૨૦થી નેશનલ બામ્બુ મિશન યોજના અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ સરકારી તેમજ વ્યકિતગત માલકી ખેતરમાં ૫૨ હે. વિસ્તારમાં બ્લોક પ્લાન્ટેશન અને હાઈ ડેન્સીટી પ્લાન્ટેશન વાંસ વાવેતરની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વધુમાં વનો ઉપરનું ભારણ વધારવા સરકારશ્રી દ્વારા નિર્ધમચુલા અને સ્મશાન સગડી જેવી આધુનિક સાધન સામગ્રી પુરી પાડવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતર્ગત ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ૮૦ નિર્ધુમચુલા વિતરણ કરવામાં આવેલ છે અને ૩૦ સ્મશાન સગડીના લક્ષ્યાંકની ફાળવણી થયેલ છે તે માર્ચ અંતિત વિતરણ કરવાનું આયોજન કર્યુ છે. જયારે રાહદારીઓને રસ્તા ઉપર વિસામો અને છાંયડાની વ્યવસ્થા ઉપલબ્ધ થાય તેવા હેતુથી ૪ વન કુટીરો બાંધવાનું આયોજન છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તા.૧૭-૦૭–૨૦૦૫ના રોજ ૫૭માં રાજય સ્તરીય વન મહોત્સવ દરમ્યાન અંબાજી મુકામે માંગલ્યવન વિકસાવવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા વન વિભાગ દ્વારા માંગલ્ય વન નવીનીકરણ કરી ચાલુ વર્ષે નવીન સુવિધાઓ ઉભી કરી વધુ આકર્ષક બનાવ્યા છે જેના કારણે માંગલ્યવનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વધુમાં વન વિભાગ દ્વારા ૭૫ મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં કુલ-૭૫ વડ વન વિકસાવવાનુ આયોજન કરેલ છે જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં કુલ -૦૪ (સ્મૃતિ વન- અંબાજી, આંગડનાથ મંદિર- દિયોદર, શેંભર ગોગ મંદિર-વડગામ, રોકડીયા હનુમાન મંદિર-અમીરગઢ) નમો વડ વન સ્થાપિત કરવામાં આવેલ છે. ઇમારતી લાકડાની જાતોનુ વાવેતર કરતા ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુથી આવી જાતોના વૃક્ષોનુ વાવેતર કરેલ ખેડુતોને સામાજીક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા માર્ગદર્શન આપીને એફ.પી.ઓ. ની રચના કરવામાં આવી છે. આ એફ.પી.ઓ. સાથે સંકળાયેલ ખેડુતો પોતાના લાકડાઓનુ વેચાણ સીધુ કંપનીને કરી શકશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે. “વન તો વૈભવ છે” આ વાક્યને ચરિતાર્થ કરવા વન મહોત્સવમાં લોકોની સક્રિય ભૂમિકા આવશ્યક છે. સામાજિક વનીકરણના આ અભિયાનમાં એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌ સંકલ્પબદ્ધ બની વૃક્ષોના ઉછેર, જતન અને માવજત માટે તન મન ધનથી શ્રેષ્ઠ યોગદાન આપીને વન મહોત્સવની ઉજવણીને સાર્થક અને યથાર્થ કરી બતાવીએ તો જ વૃક્ષો પ્રત્યેનું આપણું ઋણ અદા કર્યું કહેવાશે.હરિયાળી અપીલલીલોચ્છમ હરિયાળો પ્રદેશ બનાવશુંએક વૃક્ષ તો અમે જરૂરથી વાવશું….