Saturday, June 3, 2023
Homebanaskantha newsદાંતા આદર્શ નિવાસી શાળા ખાતે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની...

દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આદિવાસીઓનો સર્વાગી વિકાસ થયો છે—મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ.

બનાસકાંઠા જિલ્લાના દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રકૃતિના પૂજક આદિવાસીઓના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે અનેક બલિદાન આપ્યા છે એમ કહી મંત્રીશ્રીએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી.

મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટીના ડુંગરાળ વિસ્તારમાં વસતો આદિવાસી સમાજ અન્ય સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનાથી ટ્રાયબલ વિસ્તારમાં ખુબ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. આદિજાતિ વિસ્તારમાં સરસ પાકા રસ્તાઓ, પીવાના પાણીની સુવિધા, બાળકોને ભણવા માટે શાળાના ઓરડાઓ, આરોગ્યની સુવિધાઓ સહિત પ્રવાસનની સાથે રોજગારીની તકો વધે તે દિશામાં આ સરકારે કામ કર્યુ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં સાંજે જમવાના સમયે વીજળીના ફાંફા હતા, આજે સમગ્ર રાજ્યમાં અંતરીયાળ ગામડાઓ સુધી ૨૪ કલાક વીજળી મળે છે જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે ઉમેર્યુ કે, છેલ્લા બે દાયકામાં આપણા ગુજરાતે તમામ ક્ષેત્રોમાં હરણફાળ વિકાસ કર્યો છે. મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગામડાઓનો સર્વાગી વિકાસ કરીને આત્મા ગામડાનો પરંતુ સુવિધા શહેરની આપવા આ સરકાર કટીબધ્ધ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આદિવાસીઓનો સર્વાગી વિકાસ થયો છે. દેશમાં આદિવાસી સમાજની ૧૫ ટકા વસતી છે. આઝાદી પછી દેશના સર્વોચ્ચ સ્થાને રાષ્ટ્રપતિ તરીકે આદિજાતિ સમાજની શિક્ષિત મહિલા શ્રીમતી દ્રોપદી મુર્મુ બિરાજમાન થતાં આજે સમગ્ર દેશના આદિવાસીઓ આનંદ અને ગૌરવ અનુભવે છે. રાષ્ટ્રપતિશ્રીના જીવનમાંથી પ્રેરણા મેળવી બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે રાજયભરના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની વ્યાપક સુવિધાઓ હોવાથી આદિજાતિ બાળકો સારૂ શિક્ષણ મેળવી રહ્યા છે. પરિણામે આવતીકાલ ઉજ્જવળ અને સુખ-સમૃધ્ધિભરી બનવાની છે. તેમણે કહ્યું કે, આદિવાસી લોકોના સર્વાગી વિકાસ અને સુખાકારી માટે અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબધ્ધ છે. તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ બહુ સારી હોવાથી આદિવાસી દિકરા, દિકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે. આદિવાસી વિસ્તારોમાં છેક છેવાડાના માણસ સુધી સરકારે યોજનાઓના લાભ અને સુવિધા પહોંચાડી છે એમ તેમણે જણાવ્યું હતું. અગ્રણીશ્રી માધુભાઇ રાણાએ જણાવ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોના ઝડપી સર્વાંગી અને વિકાસ માટે સરકારે વિરાટ પાયે કામગીરી કરી છે જેનાથી આદિજાતિઓનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે. તેમણે દિકરા-દિકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા પર ભાર મુકતા જણાવ્યું કે, આજે આદિજાતિ સમાજના દિકરા- દિકરીઓ ઉચ્ચ અભ્યાસ કરીને ર્ડાક્ટર બને છે તે સરકારશ્રીની નીતિઓને આભારી છે ઝાલોદ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યુ હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અને તેજસ્વી તારલાઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લાં વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પાયલબેન મોદી, અગ્રણીઓ સર્વશ્રી લાધુભાઇ પારઘી, શ્રી હેમરાજભાઇ રાણા, શ્રી દશરથસિંહ પરમાર, શ્રી નિલેશભાઇ, પ્રાયોજના વહીવટદારશ્રી એમ.બી.ઠાકોર, આદિજાતિ મદદનીશ કમિશ્નરશ્રી બી.એચ.ચૌધરી, દાંતા મામલતદારશ્રી તથા આદિજાતિ અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services