Thursday, March 30, 2023
HomeGujaratથરાદ ખાતે લાયન્સ ક્લબ દ્વારા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો

થરાદ ખાતે લાયન્સ ક્લબ દ્વારા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીનો સત્કાર સમારંભ યોજાયો

થરાદમાં અદ્યતન હોસ્પિટલ અને જી.આઈ.ડી.સી. શરૂ કરાશે : વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી

થરાદ ખાતે વૃંદાવન ફાર્મમાં લાયન્સ ક્લબ થરાદ દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીનો સત્કાર સમારોહ અને લાયન્સ ચાર્ટર નાઈટ સેલિબ્રેશન યોજાયું હતું. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવતા કહ્યું હતું કે લાયન્સ ક્લબ બીજાના ભલા માટે સારા ભાવથી કામ કરતી સંસ્થા છે. આ સંસ્થામાં દરેક સભ્યો સમાજને કંઇ રીતે મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે આવે છે. લાયન્સ કલબ દ્રારા આયોજિત કાર્યક્રમને સંબોધન કરતાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ થરાદના સર્વાગી વિકાસની માટે કટિબદ્ધતા બતાવી હતી. થરાદના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મેળવવા દૂર સુધી ન જવું પડે તે માટે થરાદમાં અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત થરાદના ઔદ્યોગિક વિકાસ માટે જી.આઈ.ડી.સી. નું પણ નિર્માણ કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં થરાદને ઉત્તમ નગર બનાવવાના સંકલ્પ સાથે પાણી, ગટર, સુંદર રસ્તાઓ, બાગ-બગીચા તથા ટ્રાફિક અને લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો હલ કરીને શ્રેષ્ઠ ટાઉન પ્લાનીંગ દ્વારા નગરને વિકસીત કરી થરાદને રાજયમાં શિરમોર બનાવવું છે. તાજેતરમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જીતનો શ્રેય માતૃશક્તિને આપ્યો હતો. માતાઓ- બહેનોએ ખૂબ પ્રતિબધ્ધતા સાથે ખંતથી કામ કર્યું છે. જેનું ખુબ સારું પરિણામ મળ્યું છે એ બદલ હું માતૃશક્તિને વંદન કરું છું. મહિલાઓના આરોગ્યની જાળવણી ઉપર વિશેષ ભાર મુકતા તેમણે બહેનોને સ્વાસ્થ્ય બાબતે સજાગ રહી દર એકાદ – બે વર્ષે બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે. જેથી શરીરમાં રહેલી ઉણપોનું નિદાન થઈ શકે. બનાસ મેડિકલ કોલેજ અને રાજ્ય સરકારશ્રીના સહયોગથી આ વિસ્તારની બહેનોને પોતાના ઘેર આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા હેલ્થકાર્ડ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વ્યસનમુક્તિ ઉપર ભાર મુકતા કહ્યું કે, યુવાનો બીડી, તમાકુ, ગુટખા જેવા વ્યસનોની બદીઓથી દૂર રહે તે માટે અભિયાન ચલાવવામાં આવશે. થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના સત્કાર સમારંભમાં બનાસ બેંકના ડિરેક્ટરશ્રી શૈલેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ થરાદના પ્રમુખશ્રી પીરોમલ નજાર, લાયન્સ કલબના મંત્રીશ્રી કિર્તીભાઈ આચાર્ય, સંગઠનના મહામંત્રીશ્રી કનુભાઈ વ્યાસ, શ્રી હસમુખભાઇ સોની, અગ્રણીશ્રી અજયભાઈ ઓઝા, લાયન્સ કલબના વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લાયન્સ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Kp Digital Marketing Services